પ્રેમની બાંધી છટાઓ કેશમાં, તું હવે લઇ લે મને આશ્લેષમાં


ઝાંઝરી કપડાં બદલવા માટે પણ રોકાઇ નહીં. રિક્ષામાં બેસીને નીકળી પડી. દસ મિનિટ પછી એ હોટલના કમરાના બારણા પાસે હતી.

ઝાંઝરી જરીવાલાએ ખૂબ વિચાર્યા પછી અગમ્યના મસ્તક ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. એ રાતે શહેરભરના યુવાનોએ કાગળ ઉપર આપઘાતો કરી નાખ્યા. હવે એમને પત્ની તરીકે‘મિસ યુનિવર્સ’મળે તો પણ એ દ્વિતીય કક્ષાની જ હશે એટલું નક્કી થઇ ગયું અને અગમ્યના ઘરમાં અજવાળું-અજવાળું થઇ ગયું.

સૂરજની રોશની નારીનો દેહ ધરીને એના શયનખંડમાં ગોઠવાઇ ગઇ, પણ એક મહિનાની અંદર જ ઝાંઝરીને સમજાઇ ગયું કે એણે ભૂલ કરી નાખી હતી. આવનારી ઘટનાઓના એધાણ તો ત્યારે જ મળી ગયા, જ્યારે અગમ્યે‘હનિમૂન’માટે ગોવા જવાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો.

જ્યારે ઝાંઝરીએ પૂછ્યું ત્યારે જવાબમાં અગમ્ય રાવણની જેવું અટ્ટહાસ્ય કરીને બોલ્યો,‘હવે શું જવાનું? જે માણવાનું હતું એ તો ગઇ કાલે રાતે આપણા બેડરૂમમાં જ માણી લીધું.’

ઝાંઝરી સ્તબ્ધ બની ગઇ. આ એ જ પુરુષ હતો જે હજુ થોડા કલાકો પહેલાં જ કામદેવની ફોટોસ્ટેટ કોપી બનીને પોતાના અનુભવ સૌંદર્યને લૂંટી રહ્યો હતો! એ દિવસ તો ઝાંઝરીએ જેમ-તેમ કરીને પસાર કરી નાખ્યો. અગમ્ય તો રોજિંદા ક્રમ અનુસાર લગ્ન પછીના બીજા જ દિવસથી કામ પર ચડી ગયો હતો.

રાતના નવ વાગ્યા, દસ વાગ્યા, છેવટે થાકીને ઝાંઝરીએ જ ફોન કરવો પડ્યો, ‘અગમ્ય, તને કંઇ ભાન-બાન પડે છે? આપણાં લગ્નને હજુ એક જ દિવસ થયો છે. મને એમ કે તું આજે વહેલો ઘરે આવી સાંજે મને ક્યાંક ફરવા લઇ જઇશ, પણ તું દસ વાગ્યા સુધી ડોકાયો જ નહીં!’

‘બસ! બસ! બહુ થયું. કચકચ બંધ કર હવે. તું ભલે નવી હોય, પણ મારો બિઝનેસ તો જૂનો છે ને! એમાં ઘ્યાન આપવું જ પડે. મને આવતાં મોડું થશે.’

પછી કંસની જેવું કુટિલ હસીને એણે ફોન પૂરો કર્યો, ‘હું વહેલો પડું કે મોડો, શો ફરક પડે છે? તું ક્યાં નાસી જવાની છે?! હા… હા… હા..!’ લગ્નજીવનના ચોવીસ કલાકમાં જ ઝાંઝરીને વિચાર આવી ગયો,‘આવા રાક્ષસ સાથે આખી જિંદગી કેવી રીતે કઢાશે? ક્યાંક નાસી જઉ?’

જો પરણેલી સ્ત્રીઓ એટલી આસાનીથી નાસી જઇ શકતી હોત, તો અડધું હિંદુસ્તાન અત્યારે પત્ની વિહોણું બની ગયું હોત. આ દેશની નારીઓને ક્યાંક પિયરની ઇજ્જત રોકતી હોય છે, ક્યાંક હિંમતનો અભાવ અને ક્યાંક અધિકારોની જાણકારીનો અભાવ.

ઝાંઝરી રડી પડી અને રહી પડી. આ તો હજુ શરૂઆત હતી. અનંતકાળ સુધી ન અટકે એવી યાતનાની શરૂઆત. એ પોતાના ભાગ્યને કોસતી રહી. લમ્હોંને ગલતી કી ઔર સદિયોંને સજા પાઇ. પશુ જેવા પુરુષ સાથે લગ્ન કરવાનો નિર્ણય એટલે થોડીક ક્ષણોની ભૂલ અને આ જનમટીપ એટલે સદીઓ સુધી ચાલ્યા કરે તેવી સજા.

ઝાંઝરીની ખૂબસૂરતી કોઇ વિશેષણોની મોહતાજ ન હતી. જ્યાં એ પગ માંડતી ત્યાંની માટી પણ સોનેરી બની જતી હતી. એ સ્વયં-સુગંધા હતી, જ્યાંથી પસાર થતી ત્યાંની હવા અત્તર બની જતી હતી. શહેરનો કોઇ વાંઢો એવો ન હતો જે એને પરણવા માટે આતુર ન હતો અને શહેરનો કોઇ પરિણીત એવો ન હતો જે પોતે સહેજ ઉતાવળ કરી નાખી એવા અફસોસ સાથે જીવી ન રહ્યો હોય!

આખું શહેર આ પદમણીને માટે સ્વયંવરનું સભાગહ હતું. ઝાંઝરી વર્તમાનને બદલે જો પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મી હોત તો રામાયણનું યુદ્ધ સીતાને બદલે એના માટે ખેલાયું હોત! અફસોસ, આ એકવીસમી સદીની જનકકન્યા રામને બદલે રાવણના ઘરમાં જઇ પડી!

પૂરાં સાત વરસ પસાર થઇ ગયાં. વરસ સાત હતાં, તો યાતનાના પ્રકારો સિત્તેર હતા, અવહેલનાઓ સાતસો હતી અને અપમાનો સાત હજાર હતાં. સવારનો સૂરજ રોજ એક નવું તોફાન લઇને ઊગતો હતો અને રાત રોજ એક નવો આઘાત આપવા માટે આવતી હતી.

છેલ્લો અને સહન ન થઇ શકે તેવો આઘાત હવે આવ્યો. એક દિવસ બપોરે કોઇનો ફોન આવ્યો. અજાણ્યો અવાજ હતો, ‘હેલ્લો! તમે કોણ? મારે મિસિસ અગમ્ય સાથે વાત કરવી છે.’ ઝાંઝરીની છઠ્ઠી ઇન્દ્રિયે એને ચેતવી દીધી, પોતે કોણ બોલી રહી છે એ જણાવવાને બદલે સામે પૂછ્, ‘તમે કોણ?’

‘હું નામ નહીં આપું, પણ એટલું સમજવું પૂરતું છે કે હું તમારો શુભચિંતક બોલી રહ્યો છું’, ‘હું ઝાંઝરી બોલું છું, અગમ્યની ધર્મપત્ની. એ તો મુંબઇ ગયા છે. બે દિવસ માટે. બિઝનેસના કામ અંગે.’

‘અજાણ્યો અવાજ હસ્યો, ‘હું જાણું છું કે અગમ્ય ક્યાંય નથી ગયો. એ અત્યારે‘હોટલ રિવર સાઇડ’માં એની પર્સનલ સેક્રેટરી મારિયાની સાથે ‘વેલેન્ટાઇન ડે’મનાવી રહ્યો છે. બિઝનેસને બદલે સાઇડ બિઝનેસ જમાવી રહ્યો છે. અગમ્યને ધર્મપત્ની કરતાં આ અધર્મપત્નીમાં વધારે રસ છે.’

ઝાંઝરીને સમજાયું નહીં કે એ શું કરે! છતાં એ પૂછી બેઠી,‘મને કેમ વિશ્વાસ પડે કે તમે સાચું જ બોલી રહ્યા છો?’

‘સત્યને સાબિતીઓની ગરજ નથી હોતી, છતાંયે જો તમે સાબિતી માગતો હો, તો અત્યારે જ નીકળી પડો.‘હોટલ રિવર સાઇડ’ના રૂમ નંબર પાંચસો બેમાં બે શરીરો એક બનીને સૂતાં છે. ફોન મૂકું છું, તમે અગમ્યને ન મૂકશો!’

ઝાંઝરી કપડાં બદલવા માટે પણ રોકાઇ નહીં. રિક્ષામાં બેસીને નીકળી પડી. દસ મિનિટ પછી એ હોટલના કમરાના બારણા પાસે હતી અને એની આંગળી ‘ડોરબેલ’ઉપર હતી. બારણું ખૂલ્યું. અંદર ચાદર લપેટીને સૂતેલી નિર્વસ્ત્ર છોકરી હતી અને ટોવેલ પહેરેલો અગમ્ય હતો.

‘આ હું શું જોઇ રહી છું? તું તો મુંબઇ જવાનું કહીને..?’ ઝાંઝરીએ રૂમમાં પ્રવેશીને બારણું આડું કરી દીધું. એ મામલો સમજાવટથી હલ કરવા ઇચ્છતી હતી. પણ રાવણ નફ્ટ સિદ્ધ થયો.

‘અચ્છા! તો તને ખબર પડી જ ગઇ. મારા દુશ્મને ચાડી ફૂંકી દીધી લાગે છે.’

‘દુશ્મનની વાત છોડ, આ તારી બહેનપણીની વાત કર!’

‘શી ઇઝ મારિયા. માય પર્સનલ સેક્રેટરી કમ માય…’ ‘કેમ? એ પછીનો યોગ્ય શબ્દ જડતો નથી? ગુજરાતીમાં એને લફરું કહેવાય છે એ પણ તને મારે જ કહેવું પડશે?’ ઝાંઝરીની આંખોમાંથી તણખા ખર્યા.

એને વધુ આઘાત એ વાતનો લાગ્યો હતો કે મારિયા દેખાવમાં સાવ જ સાધારણ હતી. એકવડિયો બાંધો, સપાટ વક્ષ, લાંબો પિત્તળના કુંજા જેવો ચહેરો, તીણું નાક અને ચૂંચી આંખો. એ પૂછી બેઠી, ‘ક્યાં હું કેસરનો આંબો! અને ક્યાં આ ખાખરાનું ઝાડ?! તને આનામાં શું રસ પડ્યો?’

‘તને એ નહીં સમજાય, ઝાંઝરી! હા, તારી વાત સાચી કે મારિયામાં રસ પડે એવું ખાસ કશું જ નથી. પણ મારા જેવા પુરુષને બધું ચાલે. ટાઇમપાસ માટે બધું જ ચાલે. પત્ની તરીકે ઘરમાં તારા જેવી અપ્સરા હોય પછી બહાર તો ગમે તે ચાલે.’

‘પણ બહાર આવું બધું ચલાવવું શા માટે પડે?’, ‘તું હવે હદથી આગળ વધી રહી છે. સમજતી કેમ નથી? ઘરમાં સુંદર સોફાસેટ હોય એનો અર્થ એવો થોડો છે કે ઘરની બહાર જઇએ એટલે મારે ઊભા જ રહેવાનું? જે મળે એની ઉપર બેસી લેવાનું, પછી એ ગાદીવાળી રિવોલ્વિંગ ચેર હોય કે પતરાની ખુરશી!

જા, હવે તું ઘરે ચાલી જા, મારા હવનમાં હાડકું નાખતી બંધ થા! આ લક્ઝુરિયસ સ્યૂટનું ભાડું જાણે છે? પાંચ હજાર રૂપિયા વસૂલ કરવા દે. અને તને મેં પૈસા ખર્ચતા ક્યારે રોકી છે? યુ ઓલ્સો એન્જોય યોરસેલ્ફ!’

અગમ્ય જે અંદાજમાં બોલતો હતો એમાં શરાબની અસર છલકાતી હતી. ઝાંઝરી પાછી વળી ગઇ. કોઇ પણ સંસ્કારી સ્ત્રી ક્યારેય માત્ર કોરા સેક્સને ઝંખતી નથી હોતી, એની ઝંખના કેવળ પ્રેમની હોય છે. આવો પ્રેમ જ્યારે પતિ પાસેથી ન મળે ત્યારે જ એ બીજા પુરુષનું શરણું શોધે છે.

ઝાંઝરીએ વધુ છ મહિના કાઢી નાખ્યા. એની સાડા સાત વર્ષની પનોતી પૂરી થઇ ગઇ. ત્યારે એની જિંદગીમાં એક પુરુષનો પ્રવેશ થયો. પુકાર પંડ્યા એ શહેરમાં નવો જ આવેલ હતો. કોલેજમાં લેક્ચરર હતો.‘રઘુવંશ’ના અજ જેવો સોહામણો હતો અને‘અભિજ્ઞાન શાકુંતલમ્’ના દુષ્યંત જેવો રસિક હતો. ઝાંઝરી માટે તો એ કલ્પનાપુરુષ હતો. બંને હૃદયની આપ-લે કરી બેઠાં.

‘શુભચિંતક’તો અગમ્યના પણ હોય ને? કોઇએ નનામો ફોન કરી દીધો, ‘અગમ્ય, તારી પત્ની અત્યારે પ્રો.પુકાર પંડ્યાના ઘરની પાછળના બગીચામાં બેઠી છે. રંગે હાથ પકડવી હોય તો પહોંચી જા!’અગમ્ય પહોંચી ગયો.

શુભચિંતકની વાત સાચી નીકળી. ઝાંઝરી અને પુકાર સાબમરતીના કાંઠેથી ક્ષિપ્રાના કિનારે પહોંચી ગયાં હતાં. પુકાર ઢળતા સૂરજની સાક્ષીએ પ્રેમિકાને ‘મેઘદૂત’ના યક્ષની તડપ સમજાવતો બેઠો હતો.

અગમ્યે ત્રાડ પાડી,‘કુલટા! પાપીણી! બેશરમ! છતે ધણીએ પારકા પુરુષ સાથે બેસીને વાતો કરતાં તને..?’

‘હું બેઠી છું, સૂતી નથી.’ઝાંઝરીએ કહ્યાં વિના રૂમ નંબર પાંચસો બે વિશે કહી નાખ્યું. અગમ્ય સમજી ગયો કે આ લોકો અભદ્ર હાલતમાં ઝડપાયાં ન હતાં, એણે ઝાંઝરીને મૂકીને પુકારને પકડ્યો, ‘કેટલાં વરસથી આ બધું ચાલી રહ્યું છે?’

સ્વસ્થ પુકાર નફિકરું હસ્યો,‘મારે આ શહેરમાં આવ્યાને હજુ બે જ મહિના થયા છે.’

‘બે મહિનામાં તેં એવું શું જાદુમંતર કરી નાખ્યું કે મારી ઝાંઝરી તારી પાછળ પાગલ થઇ ગઇ?’

‘બુદ્ધિના બળદ! મેં બે મહિનામાં શું કર્યું એ પ્રશ્ન અસ્થાને છે. સવાલ એ છે કે તેં સાડા સાત વરસમાં શું કર્યું કે ઝાંઝરી જેવી પતિવ્રતા સ્ત્રી મારી પાસે આવી ગઇ? તારી જાતની અંદર ડોકિયું કર! જવાબ જડી જશે.

સાથે બે વાત મારી પણ સાંભળતો જા. મને ડરાવવાની કોશિશ ન કરતો. હું અખાડિયન છું. તારું જડબું ભાંગી નાખીશ અને બીજું હજુ સુધી અમારા સંબંધો માત્ર લાગણી સુધી સીમિત રહ્યા છે. જો શક્ય હોય તો સુધરી જા. તારી ઝાંઝરી ફરી પાછી તારી મહેફિલમાં રણકવા માટે તૈયાર છે. સ્ત્રીને પરણવાથી કામ નથી ચાલતું, એને જીતવી પણ પડે છે.’

(શીર્ષક પંક્તિ : બી.કે.રાઠોડ)

 

Posted in Uncategorized | Leave a comment

તમે મલક્યાં હતાં જોકે ફક્ત એક ફૂલના જેવું મગર…


સાંજે સાડા છ વાગ્યે આસમાન ઘરે આવ્યો, ત્યારે આરઝૂ સોફા ઉપર પહોળી થઇને બેઠી હતી અને છાપું વાંચી રહી હતી. એ છાપું પડતું મૂકે છે કે નહીં એ જોવા માટે આસમાને થોડીવાર સુધી આડા-અવળાં કામ કર્યે રાખ્યાં. પગમાંથી બૂટ કાઢીને જોરથી પછાડતો હોય તેમ જમીન ઉપર મૂક્યા. હાથમાંની બ્રીફકેસનો ઘા કર્યો. તરસ લાગી છે તેવું બતાવવા માટે રસોડામાં જઇને ફ્રીઝનું બારણું પછાડી જોયું, પણ પત્ની એની અવિચળ, અટલ, સ્થિતપ્રજ્ઞ જ રહી. જાણે બારમા ધોરણનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હોય એમ એ અખબારના વાંચનમાં મગ્ન હતી. છેવટે ન જ રહેવાયું ત્યારે આસમાને બરાડો પાડ્યો, ‘શું હું પૂછી શકું કે આ છાપું આજે સવારે આવ્યું છે કે અત્યારે સાંજે?’

આરઝૂએ નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, ‘છાપું સવારે જ આવે છે, પણ મને તો જ્યારે સમય મળે ત્યારે વાંચું ને?’‘સમય? તો બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શું કરતી હતી? દેશનો વહીવટ?’‘એ સોંપી દેશો તો એ પણ ચલાવી આપીશ, પણ ફિલહાલ તો હું ઘર જ ચલાવી રહી છું અને તમને બરાબર ખબર છે કે રોજ બપોરે હું ટી.વી. ચેનલ ઉપર આવતો કુકિંગ શો જોતી હોઉં છું. આજે બપોરે શું હતું, કહું? વરસાદી મૌસમમાં બનાવવા જેવા ઝટપટ નાસ્તાઓ!’

‘ઓહ નો! આરઝૂ! આરઝૂ! તું ક્યારે સુધરીશ? આ ટી.વી. ચેનલો તમને મૂર્ખ બનાવે છે. કેવી કેવી અશક્ય વાનગીઓની ભેજાગેપ રેસિપી શીખવે છે એ લોકો! કારેલાનો હલવો, દૂધીનો દૂધપાક, ઊતરેલી કઢીનું રાયતું, સાત દિવસની વાસી રોટલીનો ચેવડૉ….! અને તમે કહેવાતી ભણેલી યુવતીઓ દિમાગના દરવાજા બંધ કરીને એ બધું સાચું પણ માની લો છો. આટલાથી પેટ ન ભરાયું હોય તેમ પાછાં છાપામાંયે નવી-નવી રેસિપીની જ કોલમ વાંચવાની? મારે તને એટલું જ પૂછવું છે કે છાપામાં ક્યાંય એક કપ ગરમ-ગરમ ચા બનાવવાની રેસિપી લખી છે ખરી? જો લખી હોય તો તમારા આ થાકેલા સ્વામીનાથ માટે એક કપ ચા બનાવી આપશો?’‘હા, પણ થોડી વાર લાગશે. આ છાપામાં સડેલા શાકનું ઊંધિયું બનાવવાની રીત આપી છે એ વાંચીને ચા બનાવી આપું.’

થોડીને બદલે ઝાઝી વાર થઇ ગઇ, આસમાન કંટાળીને ચા પીધા વગર જ એના બેડરૂમમાં ઘૂસી ગયો. બબડ્યો પણ ખરો, ‘મારી પાસે રાહ જોવા જેટલો સમય ક્યાં છે? હમણાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ શરૂ થશે. મેં ધોનીની ટીમ ઉપર સટ્ટો ખેલ્યો છે. નસીબ જોર કરતું હશે તો બે કલાકમાં વીસેક હજારની કમાણી થઇ જશે. આ બુદ્ધિ વગરની બૈરી શું સમજે? સાવ ડોબું છે ડોબું! બે પૈસા રળવાની વાત નહીં અને રૂપિયા ખર્ચ કરવામાં પાવરધી! મારી તો જિંદગી ખરાબ કરી નાખી…’

ટી.વી. ઓન થયું. મેચ શરૂ થઇ. સટ્ટો ચાલુ થયો. આજે આસમાનનું કિસ્મત આસમાનમાં હતું. ફોન ઉપર બુકીએ પણ એને અભિનંદન આપ્યા, ‘તમે તો આજે આખા મહિનાનો પગાર પાડી લીધો! ધોનીને ફોન-બોન કરી દીધો’તો કે શું? એવું લાગતું હતું કે આજે તો એ તમારા માટે જ રમતો હતો!’ છેક મેચ ખતમ થઇ ત્યારે શ્રીમતી આરઝૂગાૈરી ચાનો કપ લઇને હાજર થયાં. આસમાન હજુ તો ચાની પહેલી ચૂસકી ભરે ત્યાં આરઝૂએ માગણી રજૂ કરી, ‘પાંચ હજાર રૂપિયા આપો, કાલે મારે શોપિંગ કરવા જવું છે.’‘પાંચ હજાર?!!’ આસમાનના કપમાંથી ચા છલકાઇ ગઇ, ‘આટલા બધા રૂપિયા? તારે શોપિંગમાં આખી શોપ તો નથી ખરીદી લેવી ને?’

‘પાંચ હજારમાં તમારો કયો સગો તમને દુકાન આપી દેવાનો છે? પ્રોપર્ટીના ભાવ ક્યાં પહોંચ્યા છે એ જાણો છો તમે? આ મોંઘવારીમાં તો છોકરા-છોકરી કોલેજમાં જાય છે ત્યારેય પાંચેક હજારનું પરચૂરણ સાથે રાખે છે. લાવો, ખિસ્સું ઢીલું કરો! અને હા, મારી પાસે ખર્ચનો હિસાબ ન માગશો. મારું ગણિત કાચું છે એ તમે જાણો છો.’

આસમાનને આજે સટ્ટામાં તડાકો પડ્યો હતો એટલે પાંચ હજાર રૂપિયા આપવામાં વાંધો ન આવ્યો, પણ આરઝૂના ગયા પછી એ બબડ્યોય ખરો, ‘તારું એકલું ગણિત જ કાચું નથી, તું ખુદ આખેઆખી કાચી છે. સાવ માથે પડી!’શ્રાવણ મહિનો આવ્યો. જન્માષ્ટમી એટલે આસમાનનો મનગમતો તહેવાર. ઘરના ત્રીજા માળે આવેલા ઓરડામાં એણે મિત્રોની બેઠક જમાવી. પત્નીને આદેશ ફરમાવ્યો, ‘દર કલાકે ખાણી-પીણીની વાનગીઓ મોકલાવતી રે’જે! તું જેટલી વાનગીઓ બનાવતાં શીખી હોય એ બધી જ મારા મિત્રોને ચખાડી દેજે! અને સાંભળ, આપણા ઘરે કોઇ પણ સગુંવહાલું કે અડોશીપડોશી આવે તો એને નીચેથી જ વિદાય કરી દેજે. અમારી બેઠકમાં ખલેલ ન પડવી જોઇએ.’

બેઠક એટલે જુગારની બેઠક. જન્માષ્ટમીના તહેવારની રજા સાથે આ વરસે શનિ-રવિની રજાઓ પણ ઉમેરાઇ ગઇ હતી. એટલે આસમાનને જલસો પડી ગયો. સતત ત્રણ-ત્રણ દિવસ લગી દિવસ ને રાતની મહેફિલ એણે જમાવી દીધી. પાંચ અતિ ગાઢ મિત્રોને કપડાંલત્તા સાથે પોતાને ત્યાં બોલાવી લીધા. રહેવાનું, ખાવા-પીવાનું અને સૂવાનું પણ ત્યાં જ! આવી સોળ કળાએ ખીલેલી બેઠકમાં અચાનક આરઝૂએ ખલેલ પહોંચાડી. ચાલુ બાજીએ હાથ લંબાવીને ઊભી રહી ગઇ, ‘આઠ-દસ હજાર રૂપિયા આપો! મેં આજે કીટ્ટી-પાર્ટી રાખી છે. અમે પણ આજે તીનપત્તી ઉપર હાથ અજમાવવાનાં છીએ.’

આસમાન ધૂંધવાઇ ઊઠ્યો, ‘તને કંઇ ભાન-બાન છે ખરું? અહીં હું બાજી ઉપર બાજી હારી રહ્યો છું, ત્યારે તું ખાતર ઉપર દીવો કરવા ઊભી થઇ છે? તીનપત્તીમાં હાથ નહીં, પણ નસીબ અજમાવાતું હોય છે એની ખબર છે તને?’આરઝૂ આઠ હજાર રૂપિયા પડાવીને જ જંપી. રાત્રે ખબર પડી કે આરઝૂ એની જિંદગીના આ પહેલી વારના જુગારમાં બધા રૂપિયા હારી ગઇ હતી. એ રાત્રે બેઠકમાંથી સમય ચોરીને પણ આસમાને પત્નીને ઝાટકી નાખી, ‘સાવ માથે પડી છે! એ તો વળી સારું થયું કે ભગવાને મારી સામે જોયું. છેલ્લે-છેલ્લે હું સતત વીસ બાજીઓ જીતી ગયો. એટલે વાંધો ન આવ્યો. બાકી મારું શું થાત એની હું કલ્પનાયે નથી કરી શકતો.’

કલ્પના કરવાની જરૂર ન પડી. ત્રણ દિવસના અંતે જ્યારે આસમાન હાર-જીતનો હિસાબ કરવા બેઠો ત્યારે એની ખુશીનો પાર ન રહ્યો. જન્માષ્ટમીના પવિત્ર તહેવારે એને પંદર હજાર કમાવી આપ્યા હતા. એણે આરઝૂને કહ્યું પણ ખરું, ‘જો, ડોબી, જો! આનું નામ તે આવડત! એકલા પગારમાં આ બધા તાગડધિન્ના ન પરવડે. થોડો ઘણો સાઇડ બિઝનેસ કરતાંયે આવડવો જોઇએ. ક્રિકેટનો સટ્ટો, જન્માષ્ટમીનો જુગાર અને શેરબજારની સૂઝ-સમજ..! તું તારે ટી.વીના વાનગી કાર્યક્રમો જોયા કર અને કિટ્ટી પાર્ટીઓમાં પૈસા વાપર્યા કર. સાવ માથે પડી…’

*** *** ***

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે જ્યારે આફતો આવે છે ત્યારે એક સામટી આવે છે. આસમાન માટે આ સાચું પડ્યું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં એને પરસેવો ફૂટી નીકળ્યો. ક્રિકેટ, જુગાર અને શેરબજારમાં એણે એક્સાથે ‘ત્રિવેણી સ્નાન’ કરવું પડ્યું. ધોનીએ એને ચાલીસ હજારમાં ધોયો. ન્યૂ યર પાર્ટીના જુગારમાં એણે પચાસ હજાર ખોયા અને શેરબજારના આખલાએ એને દોઢ લાખનું શિંગડું ફટકાર્યું. એ રાત્રે આસમાન રડમસ હતો. એનો સાત-આઠ મહિનાનો પગાર હાથમાંથી સરકી ગયો હતો. આ ભયંકર આઘાતના સમયમાં એની પત્નીએ આવીને એના ખભા ઉપર હાથ મૂક્યો. આસમાને છાશિયું કર્યું, ‘શું છે તારે? પૈસા માગવા આવી છો?’

‘ના, પૈસા આપવા માટે આવી છું. મને તમારા રંગઢંગ જોઇને લાગતું જ હતું કે આવો દિવસ આવશે જ. એટલે તો હું શોપિંગ કે જુગારના બહાને તમારી પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા સરકાવતી રહેતી હતી. છેલ્લાં ત્રણેક વરસમાં ત્રણ લાખ રૂપિયા મેં બચાવ્યા છે. મને લાગે છે કે અત્યારે એ પૂરતા થઇ પડશે.’ આરઝૂએ બચતની પોટલી પતિના હાથમાં મૂકી દીધી. આસમાન ઊભો થઇને એને વળગી પડ્યો, ‘આરઝૂ, મને માફ કરી દે! આજે મને સમજાયું કે મારી આરઝૂ મારા માથે નથી પડી. એ તો મારા હૃદયમાં વસવા યોગ્ય છે.’ અને એણે જે આલિંગન આપ્યું એ પેલી પોટલી કરતાં પણ વધારે કીંમતી હતું. (શીર્ષક પંક્તિ : બેફામ)

Posted in Uncategorized | 1 Comment

મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે!


વિરહની વ્યથા વગર મિલનની મઝા અધૂરી લાગે પણ બંને બાજુ સરખું હોય તો શું કરવાનું? છાતી ચીરીને કહી ન શકાય તેવી સમસ્યા સાથે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાનો હોય-આ પાર અથવા પેલે પાર… વિશ્વા ઘડિયાળના લોલક માફક આમ તેમ ફંગોળાતી હતી. સવારનો સૂરજ ઊગશે તે ઉજાસભર્યો હશે કે નર્યો અંધકાર… કહી શકાય તેમ નથી.

જિંદગીની મંજિલ પર ઘણા ધાર્યા અને અણધાર્યા વળાંકો આવતા હોય છે. કોઇ વળાંક એવો હોય કે ન અટકી શકાય, ન આગળ વધી શકાય અને ન પાછા વળી શકાય! શું કરવાનું? પણ જિંદગીના દરેક વળાંકને પોતીકો મિજાજ હોય છે. તે ફરી ક્યારેય પાછો આવવાનો હોતો નથી. તેથી જે આવે તે, જે બને તેને જીરવી જવાનું અને આનંદપૂર્વક જીવી જવાનું. દુ:ખની પરાકાષ્ઠા પછી સુખની કૂંપળ ફૂટતી હોય છે પણ ત્યાં સુધી ધૈર્ય અને ધીરજ રાખવી પડે.

છેલ્લા પંદર દિવસમાં વિશ્વાના જીવનમાં એક વંટોળ આવ્યો છે. શાંત અને સ્થિર પ્રવાહમાં પથ્થર ફેંકાયો છે. ખળભળાટ મચી ગયો છે. નેશનલ ટેલેન્ટ ટેસ્ટ માટે વિશ્વા દિલ્હી આવી હતી. ત્યાં ગુજરાતી સમાજની ડોરમેટ્રીમાં સૂરજ સાથે પરિચય થાય છે. જાણે-અજાણ્યે પણ બંને વચ્ચે લાગણીનો એક તંતુ જોડાઇ જાય છે.

જીવનમાં ક્યારેક એવું બને કે કોઇ માણસ પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય. પહેલી વખત જ મળ્યા હોઇએ છતાંય એવું લાગે કે વરસોથી એકબીજાને ઓળખીએ છીએ અને ક્યાંક પોતાના હોવા છતાં પરાયા લાગે. આ બધું પ્રકૃતિદત્ત હોય છે. આવા સમયે વિવેક દાખવવાનું વ્યક્તિના હાથમાં હોય છે.

વિશ્વા અને સૂરજ દિલ્હીમાં ફયાઁ છે, સાથે રહ્યાં છે અને અતૂટ આત્મીયતા બંધાઇ ગઇ છે. વિશ્વા મેરિડ છે. બે વરસનું સુખી દાંપત્યજીવન છે. હસબન્ડ હેન્ડસમ, કહ્યાગરો, ઊંચો પગાર લાવતો… બધી જ રીતે સારો છે. કોઇ જ પ્રશ્નો નથી, પણ આ બધું એક રૂટિન જેવું લાગે છે. લગ્ન પછી સામાજિક સ્વીકાર થાય તેની સાથે હૃદયસ્થ એ મોટી વાત છે. બાકી તો સંસાર રથનાં પૈડાં એમ જ ચાલ્યાં કરતાં હોય છે. સ્ત્રી માટે પ્રેમ પ્રથમ સ્થાને હોય છે, શરીરસંબંધ તો સાવ છેલ્લે આવે છે.

દિલ્હી જેવા મહાનગરમાં વિશ્વાને સૂરજ થકી સિકયોર ફીલ થયું છે. સાથે તેની નિર્દોષતા પણ હૃદયસ્પર્શી રહી છે. સૂરજ આમ સાથે રહ્યો છતાંય તેણે ખરાબ દ્રષ્ટિએ સામે જોયું નથી તે વિશ્વા માટે મૂડી હતી.

સ્ત્રીને સમજવામાં એક જન્મારો ઓછો પડે. તે હિમશિલા જેવી હોય છે. પાણીની સપાટી પર દેખાય તે માત્ર દશાંશ ભાગ જ હોય છે. બાકીનો નેવું ટકા હિસ્સો તો અંદર હોય છે. સ્ત્રીને પામવા, પોતીકી કરવા અને ખરેખર હૃદયરાણી બનાવવા આ હિસ્સાને પણ ઓળખવો પડે. તેનાં ગમા-અણગમા, રસ-રુચિ… આ સઘળું જાણી તેને એકરૂપ થવું પડે. જ્યારે સ્ત્રી બહુ ઓછા વખતમાં પુરુષને પારખી જાય છે અને તેમના કહ્યા પ્રમાણે રહેવાનું લગભગ પસંદ કરે છે.

રાજધાની એક્સપ્રેસ દિલ્હીથી અમદાવાદ તરફ આવી રહ્યી છે. વિશ્વા થ્રી ટાયર એસી કોચની સ્લીપિંગ સીટમાં લાંબી થઇને પડી છે. સામેની સીટમાં સૂરજ સૂતો છે. આંખો બંધ છે પણ ઊંઘ તો ક્યારનીય ઊડી ગઇ છે!

વિશ્વા વિચારે છે કે આ યુવાને મારા અસ્તિત્વનો આદર કર્યો છે. મને સ્વમાન બક્ષ્યું છે. મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે. મારી ઓળખને ઉજાગર કરી છે. મુક્તગગનમાં પંખી પેઠે પાંખો આપી છે અને આ વિશાળ જગતને જોવાની આંખો આપી છે. હું સુગંધ અને સ્નેહથી તરબતર થઇ ગઇ છું. મારી અસલી ઓળખ આ સૂરજ થકી જ ઊઘડી છે. મારા જીવનપથ પર તેનો ઉજાસ પથરાતો રહે તો જીવન સોનેરી બની જાય અને આમ પણ અણગમતા પુરુષ સાથે આયખું વેંઢારવું તેના કરતાં મનગમતા પુરુષ સાથે ભલેને પાંચ જ વરસ જીવવા મળે! વિશ્વાના મનોજગતમાં ભારે ઉલ્કાપાત સર્જાયો છે.

એક ચોક્કસ નિર્ણય પર આવી જવાનો સમય પાકી ગયો છે. વળી, સામે સૂરજને પણ કહ્યું છે : ‘હું સવાર થતાં અમદાવાદ આવ્યે મારો નિર્ણય જણાવી દઇશ.’‘સૂરજ!’ કહીને વિશ્વા એકદમ બેઠી થઇ ગઇ. પછી શરીર ફરતે હાથ વીંટાળીને બોલી: ‘ઠંડી લાગે છે, એસી વધી ગયું છે!’‘એસી બંધ નહીં કરી શકાય પણ…’ આમ કહી સૂરજ નીચે આવે છે અને વિશ્વાને કામળો ઓઢાડે છે. પછી કહે છે: ‘જગતને નહીં, જાતને ઢાંકવી પડે!’

અડધો કલાક આંખ મળી હશે ને પછી આંખો ઊઘડી ગઇ. સામે સૂતેલા સૂરજના બાળક જેવા નિર્દોષ મોં પર એક તસતસતું ચુંબન કરવાનું મન થઇ આવ્યું. ઊભી થઇ, કપડાં સરખાં કર્યા, પછી સૂરજના ગાલ પર ટપલી મારી તે બાથરૂમ તરફ ગઇ. પાછી આવીને સીટ પર વિશ્વા ઊભા પગે બેઠી. તેની પાસે હવે બહુ ઓછો સમય હતો. ઘરે પાછા જવું કે સૂરજ સાથે જ ચાલ્યા જવું… જીવસટોસટનો નિર્ણય લેવાનો હતો. વિશ્વાને થયું કે પોતે છેદાઇને ટુકડામાં વિભાજિત થઇ ગઇ છે. હમણાં સાફ કરવાવાળો આવશે તો પોતાને કચરો સમજી ટોપલીમાં ભરીને ચાલ્યો જશે!

આંખો બંધ કરીને વિશ્વાએ જાણે સમાધિ લગાવી. તે સારી રીતે સમજતી હતી કે આવેગ અને આવેશમાં લીધેલ નિર્ણય સારા અને સાચા હોતા નથી. તેણે થેલામાંથી પેન અને કાગળ લીધાં. લખતાં પૂર્વે સૂરજ સામે જોયું. તેની આંખોને ઊંઘ ગ્રસી ગઇ હતી. ‘સૂરજ! આપણો પ્રવાસ પૂર્ણ થાય છે. અહીં સુધીનો સંગાથ પર્યાપ્ત હતો. હવે આપણે ક્યાંય, કોઇપણ રૂપે મળીશું નહીં, સંપર્ક કરીશું નહીં. મને ખાતરી છે, મારી આ વાતનું તમે સંપૂર્ણપણે પાલન કરશો.’ જીવનભરના સંગાથની ઇચ્છા ઓછી નથી. પણ… મારા પતિના અને પરિવારના વિશ્વાસનું શું???

ચિઢ્ઢીને સૂરજના ઓશીકા પાસે મૂકી વિશ્વા આગળના સ્ટેશને ઊતરી જાય છે!

ધુમ્મસ, રાઘવજી માધડ

Posted in Uncategorized | 1 Comment

આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?


‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર્ષો ખરી પડ્યાં.

એક જ જવાબ દે, મારો એક જ સવાલ છે
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?

સાંજના સાડા સાત થવા આવ્યા હતા. શહેરથી દૂર આવેલા એક જમાના જૂના બગીચાના ઝાંપા આગળ એક સિત્તેર વર્ષની વૃદ્ધા આવીને ઊભી રહી. રિક્ષાવાળો ગયો, એ પછી એ બગીચામાં દાખલ થઇ. ‘પચાસ વરસ પૂરાં થઇ ગયાં!’ એ બબડતી હતી : ‘આજના દિવસે આ જ સમયે એણે મને મળવાનો વાયદો કર્યો હતો.’

આવું સ્વગત બોલતી એ વૃદ્ધા સીધી બગીચાના છેવાડે આવેલા ‘લવ લીમડા’ આગળ જઇ પહોંચી. ‘લવ લીમડો’ આમ તો બીજા લીમડાઓ જેવો એક સીધો-સાદો લીમડો જ હતો, પણ દાયકાઓથી આ ઝાડ એના થડને અઢેલીને બેઠેલાં સેંકડો-હજારો પ્રેમીપંખીડાંની પ્રણયકેલીનું સાક્ષી રહ્યું હતું.

અત્યારે પણ એને ફરતે વીંટાયેલા ગોળ ઓટલા ઉપર બે-ત્રણ કબૂતર-જોડી ‘ગટર-ગૂં’ કરતી બેઠેલી હતી. ડોશીને આવેલી ભાળીને બાપડા કબૂતરો ઊભાં થઇ ગયાં! ચલ ઊડ જા રે પંછી, કે અબ યે પેડ હુઆ બેગાના..!

અને એમણે જે કર્યું એ સારું જ કર્યું, કારણ કે પેલી વૃદ્ધાએ તો ઓટલા ઉપર બાકાયદા બેઠક જમાવી દીધી. અધૂરામાં પૂરું બે જ મિનિટ પછી ત્યાં બીજી એક ડોશી પણ આવી પહોંચી. પાંચ મિનિટ બાદ ત્રીજી, ચોથી… પાંચમી… છઠ્ઠી અને સાતમી..! સાતેયની ઉંમર પાંસઠ-સિત્તેરથી વધારે દેખાતી હતી. બધી જ રંગરૂપે ગોરી હતી. દરેક ખંડેર જાણે કહેતું હતું કે ‘કભી ઇમારત બુલંદ થી’!

‘ઠંડી સારી એવી પડવા માંડી છે, નહીં? સગુણાદેવીએ સાડલા ફરતે મોંથી કાશ્મીરી ‘શાલ’ વીંટાળતા વાતની શરૂઆત કરી.

‘હા, કોઇને આપેલું વચન નિભાવવાની વાત ન હોત, તો આવી ઠંડીમાં, આવા સમયે ઘરની બહાર નીકળવાનું સાહસ હું ક્યારેય ન કરું!’ સૌથી પહેલાં બગીચામાં પ્રવેશ કરનાર અરુંધતી દેવીએ દાંત કકડાવતા ‘કોમેન્ટ’ કરી. ‘વચન? અને આ ઉંમરે? શાનું વચન?’ અગિયાર લાખની ગાડીમાં બેસીને પધારેલાં અંજનાબહેને પૂછ્યું.

અરુંધતીદેવીના રૂપાળા ચહેરા પરની કરચલીઓમાં ગુલાબી શેરડા ઊપસી આવ્યા, ‘અડધી સદી પહેલાંની વાતો છે બધી! ત્યારે હું વીસ વર્ષની હતી. તમે કલ્પના કરી શકો છો કે જો અત્યારે હું આવી હોઉં, તો ત્યારે કેવી હોઇશ! મને ચાહનારાઓની ખોટ ન હતી.

પણ એમાં એક પુરુષ મારો સાચો પ્રેમી હતો. અદ્ભુત હતો એ! અમે બે વર્ષ સાથે હર્યા, ફર્યા, પ્રેમ કર્યો, ખૂબ મજા માણી. શરીરની લક્ષ્મણરેખાઓ તો ભાંગીને ભૂક્કો કરી નાખી. પણ અફસોસ! અચાનક એને મુંબઇ જવાનું થયું. પછી અમે ક્યારેય મળી ન શક્યાં.’

‘લગ્ન?’ નીલાક્ષીબહેને બાકીની બધી જ સ્ત્રીઓના મનમાં રચી રહેલો સવાલ હોઠ ઉપર લાવી દીધો.

‘એ મુંબઇથી પાછો ફરે એ પહેલાં તો મારા માવતરે મને બીજા મુરતિયા સાથે પરણાવી દીધી. પણ છૂટાં પડતાં પહેલાં છેલ્લી વાર અમે આ જ સ્થળે મળેલાં! આ વૃક્ષ અમારું કાયમી મિલનસ્થળ હતું. એને કદાચ ભાવિની ગંધ આવી ગઇ હશે. એટલે જ એણે મારી પાસે વચન માગેલું, જ્યારે દેહ ક્ષીણ થઇ જાય, સેક્સનું મૃત્યુ થઇ જાય, સંસારમાંથી પરવારી જવાય, ત્યાર પછી એક વખત મને મળવા માટે તું આ લીમડા નીચે આવીશ!

મેં એને વચન આપ્યું હતું, એટલે હું આજે આવી છું. મને ખબર નથી કે અત્યારે એ ક્યાં હશે, કદાચ જીવતો હશે કે પછી… ન પણ હોય! પણ મને એ વાતનો ગર્વ છે કે હું તો આ ઉંમરે પણ એણે કહેલી તારીખે અને સમયે, માત્ર અમારા પ્રેમને ખાતર આજે…’

‘એ તો કંઇ ન કહેવાય!’ નીલાક્ષીબહેને મોં મચકોડ્યું, ‘ખરું વચન-પાલન તો મેં કર્યું છે! કારણ કે મને તો ખબર છે કે મારો પ્રેમી અત્યારે આ દુનિયામાં હયાત નથી. જ્યારે હું કુંવારી હતી અને એની નિશાનીને મારા દેહમાં ઉછેરવાની શરૂઆત હતી, ત્યાં જ અમારે છૂટાં પડવાનું બન્યું.

એની આંખમાં મજબૂરી હતી, મારી આંખોમાં આંસુ. એ અમેરિકા જઇ રહ્યો હતો. બીજે દિવસે એનું વિમાન તૂટી પડ્યું! પણ એને હું ભૂલી શકી નથી. કે નથી ભૂલી મેં આપેલા વચનને! આજના દિવસે, આ સમયે, આ જ બગીચામાં અમે મળવાનાં હતાં. હું તો આવી ચૂકી છું અને મને વિશ્વાસ છે કે એ પણ આવશે, ભલે વ્યક્ત સ્વરૂપે નહીં તો અવ્યક્ત રૂપમાં… પણ એ આવશે જરૂર..! અમારો પ્રેમ સાચો હતો.’

‘ઊહ..!’ સગુણાબહેને છણકો કર્યો, ‘પ્રેમ સાચો તો બધાંનો હોય છે, પણ શ્રેષ્ઠ પ્રેમ તો મેં માણ્યો છે. મારો પ્રેમી દુનિયાના તમામ પુરુષો કરતાં વધુ સોહામણો અને વધુ રોમેન્ટિક હતો. એની સાથે મને જે સંતોષ મળ્યો છે, એવો તો મારા પતિ પાસેથી પણ ક્યારેય નથી મળ્યો!’

‘તો પછી તમે એને જ તમારો પતિ શા માટે ન બનાવ્યો?’ ગીતાબહેને પૂછ્યું.

‘એના હાથ બંધાયેલા હતા. બાકી હું ના પાડું? એનો બાપ મરણપથારીએ હતો અને એણે મારા પ્રેમી પાસે પાણી મુકાવ્યું : ‘હું કહું એ છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ, તો જ મારો જીવ સદ્ગતિ પામશે.’ બિચારો શું કરી શકે? છેલ્લે આજથી ચાલીસ વર્ષ પહેલાં અમે છૂટાં પડ્યાં, ત્યારે આ જ લીમડા હેઠળ.

‘સમજી ગઇ! આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ હવે મને સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વધારાનાં વર્ષો ખરી પડ્યાં. એ પચીસનાં થઇ ગયાં.

‘મારા કિસ્સામાં તો મારા પિતા જ વિલન બન્યા હતા. મારો પ્રેમી તો લગ્ન માટે પણ તૈયાર હતો. હું એને જાણતી હતી એટલે તો એને મારું શરીર..! પણ એ સાવ મુફલિસ હતો, જ્યારે હું ખૂબ જ પૈસાદાર બાપની દીકરી હતી! પછી તો એ પણ ખૂબ કમાયો. પણ ત્યાં સુધીમાં તો બાજી ખેદાન-મેદાન થઇ ચૂકી હતી! છેલ્લે…’

‘બસ! બસ! છેલ્લા દ્રશ્યની વાત કરવી રહેવા દો! આપણા બધામાં એક વાત ‘કોમન’ છે. પ્રેમીઓ જુદા, છૂટા પડવાનાં કારણો જુદાં, પરંતુ દરેકની કથાનું અંતિમ દ્રશ્ય એકસરખું જ! લવ લીમડાની સાક્ષીએ, જિંદગીની પાનખરમાં એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે આ સ્થળે મળવાનું વચન આપવું અને લેવું! બહુ વિચિત્ર લાગે છે!’

સરસ્વતીદેવીના મોં ઉપર આશ્ચર્ય હતું. એમનાં વાક્યો કહી આપતાં હતાં કે આજથી ત્રીસ, ચાલીસ કે પચાસ વરસ પહેલાં એમના જીવનમાં પણ એક પુરુષ આવ્યો હતો, જે નિ:શંકપણે દુનિયાના તમામ પ્રેમીઓ કરતાં શ્રેષ્ઠ હશે, સોહામણો હશે અને સૌથી વધારે રોમેન્ટિક હશે.

એક પછી એક વિશ્રંભકથાઓનાં ખાનગી પ્રકરણો ખૂલી રહ્યાં હતાં અને સમયનો કાંટો આઠના આંકડા તરફ ખસી રહ્યો હતો. અંધારું પૃથ્વીને આશ્લેષમાં લઇ રહ્યું હતું. દૂર-દૂરથી કૂતરાં ભસવાના અવાજો આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં બગીચાનો ચોકીદાર ચાર-પાંચ વાર ચક્કર મારી ગયો હતો.

એ જ્યારે નજીક આવ્યો ત્યારે વીસ-પચીસ વર્ષની સાતેય મુગ્ધાઓ એટલી વાર પૂરતી પુન:વૃદ્ધા બની જતી હતી! ચોકીદારને તો કંઇ કહી શકાય નહીં, પણ ખલેલ પાડનારાં બીજાં પરિબળોને તેઓ ધમકાવી નાખતી હતી.

એક ચાવાળો, એક ચણાજોરગરમના ખૂમચાવાળો, બે-ચાર પ્રેમીયુગલો, બે-ચાર ગુંડાઓ, જે જે લોકોએ ‘લવ લીમડા’ તરફ કુદ્રષ્ટિ કરવાની કોશિશ કરી, એ બધાને તગેડી મૂકવામાં આવ્યા.

સામેના ટાવરમાં આઠના ટકોરા પડ્યા. એ સાથે જ સાતેય પ્રેમિકાઓ ટટ્ટાર થઇ ગઇ. દરેકને એના પ્રેમીના આગમનની તીવ્રતમ પ્રતીક્ષા હતી. શું થશે? એ આવશે? બધા એકસાથે ભેગા તો નહીં થઇ જાય ને? એ વખતે કોઇ ત્રાહિત વ્યક્તિ ક્યાંકથી આવી ચડશે તો શું થશે?

‘ઐ…માઇ.., કોઇ ભિખારીને પાઇ-પૈસો આલશો… માઇ-બાપ..? તંઇણ દા’ડાથી ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે…’ કરતોક ને ક્યાંકથી એક ભિખારી ચડી આવ્યો. સાતેય વૃદ્ધાઓએ પોતાનાં પર્સ ઉઘાડ્યાં. કોઇએ પાંચ તો કોઇએ દસ રૂપિયા કાઢીને ભિખારીના શકોરામાં મૂક્યા.

પેલો તરત જ રવાના થઇ ગયો. પણ સગુણાબહેનની નજર એના હાથમાંથી સરકી ગયેલા એક કાગળ ઉપર પડી. પહેલાં તો એમને થયું કે દસની નોટ પડી ગઇ હશે, પણ ઉપાડીને જોયું તો ચિઠ્ઠી હતી. આંખો ખેંચી-ખેંચીને સાતેય જણીઓએ કાગળ વાંચ્યો.

અંદર લખ્યું હતું : ‘અફસોસ! તમે મને ઓળખી ન શક્યાં. મેં આ શહેરની શ્રેષ્ઠ સાત સુંદરીઓને મારી જાળમાં ફસાવી, ભોગવી અને પછી અલગ-અલગ બહાનાં બતાવીને છોડી દીધી. જ્યાં તમારા જેવી મૂર્ખ પ્રેમિકાઓ હોય ત્યાં મારા જેવા લંપટ પુરુષો ભૂખે નથી મરતા!

આ વાતનું ભાન કરાવવા માટે જ આટલા વરસે હું તમને મળવા માટે આવ્યો હતો. બાકી હું સુખી છું. તમારો આભાર, કારણ કે હું ભમરાના વેશમાં હોઉ કે ભિખારીના, મેં જે માગ્યું છે એ તમે આપ્યું જ છે!’

(શીર્ષક પંક્તિ : મરીઝ)

Posted in Uncategorized | Leave a comment

પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું.


મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. તમે મારી કાયાની સાથે-સાથે મારા કલદારનો પણ ભોગવટો માણી શકશો.

ત્રીસ વરસનો વરદાન વસાવડા નવરાશની પળોમાં લેપટોપ સાથે સંવનન કરતો બેઠો હતો, ઇન્ટરનેટ ઉપર એક મેઇલ વાંચીને એ ચમક્યો: ‘મારું નામ શર્લી.’ હું સેનેગલ નામના દેશમાં જન્મેલી એક કમનસીબ યુવતી છું. કુંવારી છું. મારી ઉંમર ચોવીસ વરસ છે. મારી દાસ્તાન બહુ કરુણ છે.

વરદાનને રસ પડ્યો. આ દેશમાં જુવાન છોકરીઓની કરુણકથામાં રસ ધરાવતા લાગણીશીલ યુવાનોની કમી નથી. શર્લી આગળ લખતી હતી: ‘જો તમને જગતની ગતિવિધિઓ જાણવાનો શોખ હશે તો તમને એ વાતની ખબર હશે જ કે સેનેગલમાં અત્યારે ભયંકર ઊથલપાથલ ચાલી રહી છે. આખો દેશ સિવિલ વોરમાં સપડાઇ ચૂકયો છે. બે અલગ-અલગ કોમો વચ્ચે ભયાનક ખૂનામરકી જામેલી છે.’

વરદાનને યાદ આવ્યું, થોડાક સમય પહેલાં એણે અંગ્રેજી અખબારમાં સેનેગલના આંતરવિગ્રહ વિશે આવું કશુંક વાંચ્યું હતું ખરું, પણ સેનેગલ અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેટલો દેશ ન હોવાને કારણે અને ત્યાં ભારતીય વસાહતીઓની સંખ્યા ઝાઝી નહીં હોવાને કારણે એણે એ સમાચારો પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ન હતું, પણ એ તો અંગ્રેજી અખબાર હતું, જ્યારે અહીં તો શર્લી જેવી ખૂબસૂરત અને ગરમા-ગરમ યુવતી ખુદ એની આપવીતી પીરસી રહી હતી. પછી તો ધ્યાન આપવું જ પડે ને, ભાઇ!

કુમારી શર્લી લખતી હતી: ‘હાલમાં હું રાહત છાવણીમાં જીવી રહી છું. મારા પપ્પા સેનેગલ ગવર્નમેન્ટના ઉચ્ચ સ્તરના સચિવ હતા. અમે વર્ણવી ન શકાય એવી સમૃદ્ધિમાં જીવતા હતા. પપ્પા ખૂબ ધન કમાયા હતા. એક દિવસ અચાનક ઝનૂની તોફાનીઓનું એક મોટું ધાડું અમારા મહેલ જેવડા મકાન ઉપર ધસી આવ્યું. પપ્પા કોઇને ફોન કરે તે પહેલાં જ આક્રમણખોરોએ એમની હત્યા કરી નાખી. પછી તો હત્યારાઓએ મારી મા, બહેન અને બે ભાઇઓને પણ મારી નાખ્યા. હું તે સમયે બંગલાની પાછળના મેદાનમાં ‘જોગિંગ’ કરતી હતી, એટલે બચી ગઇ. બંગલામાં લૂંટફાટ કરીને તોફાનીઓ નાસી ગયા. હું જ્યારે પાછલા બારણેથી ઘરમાં પ્રવેશી ત્યારે…’

શર્લીએ ત્યારે શું જોયું એ એણે તો લખ્યું જ હતું, પણ ન લખ્યું હોત તોયે વરદાન સમજી શક્યો હોત. લૂંટાઇ ગયેલું ઘર અને ફૂટી ગયેલું તકદીર. લોહીના ખાબોચિયા અને લાશોનો સમૂહ. ઓરડામાં ઘૂમરાતી દહેશતની હવા અને ગમે તે ઘડીએ બીજો હુમલો થવાની આશંકા.

શર્લી શું કહેતી હતી? વાંચો: ‘આટલો ઓછો સમય મળ્યો હતો, તો પણ મારી બહેનની લાશ નિર્વસ્ત્ર હતી. સ્પષ્ટ હતું કે એની હત્યા કરતાં પહેલાં એની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હું ફફડી ઊઠી. દોડીને પોલીસ સ્ટેશને જઇ પહોંચી. ત્યાં પણ મને સલામતી ન લાગી. સરકારે મને રાહત છાવણીમાં મોકલી આપી. અહીં મારા જેવી અસંખ્ય છોકરીઓ જોવા મળે છે. એ બધીઓની દાસ્તાન મારા જેવી જ છે. અમે ભયંકર ઓથાર હેઠળ દિવસો પસાર કરીએ છીએ.

અમારી રક્ષા કરવા માટે તૈનાત કરાયેલા સંત્રીઓ પણ અમારી તરફ વાસનાભરી નજરે જોઇ રહ્યા છે. સ્નાન કરવા માટે અહીં કંતાનની દીવાલો ઊભી કરીને કામચલાઉ બાથરૂમ બનાવવામાં આવ્યા છે, પણ અમને ડર લાગે છે. ત્યાં સ્નાન માટે ગયેલી ચાર છોકરીઓ ચોકિયાતોના હાથે બંદૂકની અણીએ પીંખાઇ ગઇ છે. હું વિશ્વભરના પુરુષોને હૃદયપૂર્વક અરજ કરું છું કે અમને આ નરકમાંથી છોડાવો…’

વરદાને ત્યારે ને ત્યારે જ ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘બીજી બધી છોકરીઓની વાત પછી, પહેલાં તને છોડાવવા માટે શું કરી શકાય એ બતાવ.’એક કલાક પછી શર્લીનો જવાબ આવ્યો: ‘તમારી લાગણી માટે આભારી છું. આ નર્કમાંથી મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી લો! મને પત્ની બનાવીને તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. મારા પપ્પા અત્યંત ધનાઢ્ય હતા. બેંક ઓફ કુવૈતની ઇંગ્લેન્ડની શાખામાં એમના પંચોતેર લાખ પાઉન્ડ જમા બોલે છે. કાયદેસર હું એમની તમામ સંપત્તિની એકમાત્ર વારસદાર છું. તમે મારી કાયાની સાથે-સાથે આ કલદારનો પણ ભોગવટો માણી શકશો.’

વરદાને જોયું કે શર્લીએ એના ફોટોગ્રાફ્સ પણ સ્ક્રીન ઉપર મોકલ્યા હતા. શર્લી શ્યામવણીઁ હતી, પણ એની દેહસમૃદ્ધિ ફાટફાટ જણાતી હતી. ઉપરથી પંચોતેર લાખ પાઉન્ડનો માલિકી હક્ક?!

કંચન અને કામિનીના બેવડા મોહપાશમાં બંધાઇ જવાનું કોને ન ગમે? પણ વરદાન વસાવડા જરાક જુદી માટીનો પુરુષ હતો. બત્રીસમા વરસ સુધી એ સ્વેચ્છાએ કુંવારો રહ્યો હતો. માત્ર પરણવા ખાતર પરણી નાખવું એ એનું ધ્યેય ન હતું. આજે પહેલી વાર એને લાગ્યું લગ્ન કરવા માટે એ ઇચ્છતો હતો એવું મજબૂત કારણ એને મળી ગયું હતું. પરાજિત રાજાના કેદખાનામાં પુરાયેલી રાજકુંવરીઓને છોડાવવા શ્રીકૃષ્ણનો આદર્શ વરદાનમાં જાગ્રત થઇ ઊઠ્યો. એણે લખી મોકલ્યું: ‘શર્લી, ડોન્ટ વરી. હું તારી સાથે લગ્ન કરીશ. મારા મિત્રોને સમજાવીશ, તેઓ પણ તારી છાવણીમાં જીવતી યુવતીઓને…’

હવે લાખ રૂપિયાનો પ્રશ્ન સામે આવતો હતો: ‘આ બધું પાર શી રીતે પાડવું? લંકાની લાડી ને ઘોઘાનો વર. સેનેગલની શર્લી અને અમદાવાદના વાડજનો વરદાન.’ ઉપાય શર્લીએ બતાવ્યો: ‘તમે દિલ્હી જઇને અમારા હાઇકમશિ્નરને મળો. પછી મને ઇન્ડિયામાં બોલાવવા માટેની વિધિ પાર પાડો. મારી પાસે તો પાસપોર્ટ-વિઝા કઢાવવા જેટલાયે પૈસા નથી. એના માટેના એક હજાર પાઉન્ડ તમારે જ મોકલવા પડશે. હું ત્યાં આવું એટલે પછી તરત આપણું લગ્ન અને પછી બ્રિટનની બેંકમાં પડેલા પંચોતેર લાખ પાઉન્ડ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર! આપણે હનિમૂન માટે ક્યાં જઇશું, ડિયર?’ વરદાનને યાદ આવી ગયું, આવી રીતે છેતરપિંડીઓ આજ-કાલ બહુ ચાલે છે.

એણે સેનેગલની એમ્બેસીમાં ફોન કર્યો. પછી સેનેગલમાં ભારતીય દૂતાવાસમાં પૂછપરછ કરી. બંને ઠેકાણેથી માહિતી આવી ગઇ, ‘સેનેગલમાં અત્યારે આંતરવિગ્રહ ચાલે છે એ વાત સાવ સાચી છે. અનેક છોકરીઓ રાહત છાવણીમાં આશરો લઇને બેઠી છે. બળાત્કારો એ અહીંની રોજિંદી ઘટના બની ગઇ છે. અને જો કોઇ વિદેશી યુવક લગ્નના નિમિત્તે આવી યુવતીને અહીંથી છોડાવી શકે તો એ ખરેખર પુણ્યનું કામ ગણાશે.’

વરદાને નક્કી તો કરી જ નાખ્યું કે શર્લીને શ્રીમતી વસાવડા બનાવી જ દેવી છે, પણ હજુ એના મનમાં થોડી-ઘણી શંકા રહી જતી હતી કે આ શર્લી પોતાને ક્યાંક ‘બનાવી’ ન જાય! એક હજાર પાઉન્ડ એટલે આશરે પોણા લાખ રૂપિયાનો મામલો હતો, ભાઇ! આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો આપોઆપ અને અનાયાસ વરદાનની સામે આવી ગયો.

ગ્રેટ બ્રિટનના એક મોટા ગજાના રાજદ્વારી મિ. ગ્રેહામ ડલ્લાસનો ઇ-મેઇલ આવ્યો: ‘મિ. વસાવડા! વ્હોટ આર યુ ડુઇંગ? તમને ભાન છે કે આટલું મોડું કરીને તમે શર્લીનો જાન જોખમમાં મૂકી રહ્યા છો? તમને વિશ્વાસ ન પડતો હોય તો એકવાર જાતે સેનેગલ જઇને તપાસ કરી આવો! હું તમને વિશ્વાસ અપાવું છું કે એ છોકરી સાચે જ તમને પરણવા માગે છે. અમારા દેશમાં એના પિતાના બેંક ખાતામાં ખરેખર પોણો કરોડ પાઉન્ડ જમા થયેલા છે. હું એક અધિકૃત ઉચ્ચ અફસર તમને આ બધું જણાવી રહ્યો છું. હું બ્રિટન તરફથી ઇન્ડિયા ખાતે નિમાયેલો હાઇકમશિ્નર ખુદ, જાતે, પોતે છું. હવે તો તમારી ચીકણાશ છોડો!’

વરદાને ઇ-મેઇલ કર્યો, ‘મને પંચોતેર લાખ પાઉન્ડની લાલચ નથી, સર, મને તો મારા પંચોતેર હજારની ફિકર છે. એટલે જ આ બધું પૂછવું પડે છે.’મિ. ડલ્લાસ બગડ્યા: ‘એમ વાત છે? સારું, તો પછી આવતા અઠવાડિયે હું ઇન્ડિયા આવી રહ્યો છું. શર્લીના પિતાના પંચોતેર લાખ પાઉન્ડ સાથે લઇને આવું છું. બેંક સાથે હું સમજી લઇશ. તમે મુંબઇ આવી શકશો?

નહીંતર હું અમદાવાદ આવી જઇશ. સેનેગલની શર્લીની જિંદગી બચાવવા ખાતર અમદાવાદી યુવાન ભલે ઘરની બહાર ન નીકળી શકે, પણ બ્રિટનનો રાજદૂત છેક ગુજરાત સુધી લાંબો થઇ શકે છે. અને હા, એક વાત યાદ રહે, શર્લીના પૈસા તમારા ખાતામાં તબદીલ કરવા માટે અહીંની બેંકને તમારે સાતસો પાઉન્ડ ટ્રાન્સફર મની પેટે આપવાના રહેશે. એ રકમ તૈયાર રાખજો!’

વરદાન હવે માની ગયો, પણ આખરે ગુજરાતી ખરો ને! છેલ્લે સળી કર્યા વગર એ ન રહ્યો: ‘મિ. ડલ્લાસ, મારે આપનું ઓળખપત્ર જોવું છે. મોકલી આપશો?’ અંગ્રેજ બચ્ચો ફરી પાછો બગડ્યો, ‘તમને ભાન છે કે તમે કોનું અપમાન કરી રહ્યા છો? જવા દો, તમારા જેવું કોણ થાય? મારું આઇ-કાર્ડ સ્કેન કરીને મોકલું છું. આંખો ફાડીને વાંચી લેજો!’

વરદાને આઇ-કાર્ડ વાંચી લીધું, સૂંઘી લીધું, ચાખી લીધું. પછી બ્રિટનના કોન્સ્યુલેટમાં તપાસ કરી. પાછો મિ. ડલ્લાસને મેઇલ મોકલ્યો: ‘બ્રિટનના હાઇકમશિ્નરોની વિશ્વભરની યાદીમાં તમારું નામ કેમ નથી?’

મિ. ડલ્લાસ હસ્યા, ‘અરે, મૂર્ખ! તને એટલું પણ જ્ઞાન નથી કે અમારી સરકાર હમણાં જ બદલાઇ ગઇ છે? નવી સરકારે મારી નવી નિમણુંક તો કરી દીધી છે, પણ વિશ્વભરના કોન્સ્યુલેટોમાં નવા રાજદૂતોની યાદી મોકલવાની હજુ બાકી છે. મારું આઇ-કાર્ડ તને ઓછું પડે છે?’

વરદાન મૂંઝાઇ ગયો. શું કરવું? એક બાજુ શર્લીનું તન હતું, બીજી તરફ બેંકમાં પડેલું એના બાપનું ધન હતું અને ત્રીજી તરફ અમદાવાદી માણસનું શંકાશીલ મન હતું. દાળમાં કોકમ સિવાય બીજું જે કંઇ કાળું દેખાય એની ખાતરી તો કરી લેવી પડે ને? છેવટના ઘા તરીકે વરદાને ઇંગ્લેન્ડના વિદેશ મંત્રાલયને ઇ-મેઇલ મોકલ્યો.

જવાબ સાંભળીને એ છળી પડ્યો. ઇંગ્લેન્ડનું વિદેશ ખાતું જણાવતું હતું: ‘મિ. ગ્રેહામ ડલ્લાસ અમારા દેશનો એક જાણીતો ચીટર છે. અત્યાર સુધીમાં એ અસંખ્ય દેશોમાં અનેક પુરુષોને છેતરી ચૂકયો છે. શર્લી જેવી બે-બસ છોકરીઓની કપોળકલ્પિત કથાઓ ઉપજાવી કાઢીને અને ગુમનામ મોડલોની તસવીરો મોકલીને એ કુંવારા યુવાનોની લાગણી ઉત્તેજિત કરે છે અને પછી તગડી રકમ ખંખેરી લે છે. ઇન્ટરપોલને એની તલાશ છે. તમે એવા પહેલા યુવાન છો જે બચી ગયા. તમને હાર્દિક અભિનંદન!’

વરદાને છેલ્લો ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘તમારા અભિનંદન બદલ આભાર! તમારી એક ભૂલ સુધારું? હું છેતરાવામાંથી બચી ગયો કારણ કે હું ફક્ત યુવાન નથી, પણ હું ગુજરાતનો શિક્ષિત યુવાન છું. જય હો!

(સાવ સાચી ઘટના)

લેખક : ડો. શરદ ઠાકર

Posted in Uncategorized | 9 Comments

પ્રણયને નાતજાતનાં બંધન નડે?


રોશન કોલેજમાં જે યુવતીને ચાહતો હતો, તે એની જ્ઞાતિની નહોતી. જોકે રોશનને હતું કે પોતાનો પ્રેમ સાચો હશે તો એક દિવસ રોઝી એના પ્રેમનો અવશ્ય સ્વીકાર કરશે. દિવસો વીતવા સાથે રોઝી અને રોશન એકબીજાની નિકટ આવતાં ગયાં, પણ જ્યારે આ વાતની જાણ રોશનના પરિવારજનોને થઇ ત્યારે તેમણે રોશનને કહી દીધું કે આ પરનાતની છોકરી આપણા ઘરમાં ક્યારેય કોઇ સંજોગોમાં પગ નહીં મૂકી શકે.

અત્યાર સુધી રોઝીને પોતાના પ્રેમની દુહાઇ આપનારો રોશન પરિવારજનોની વાત સામે કંઇ બોલી ન શક્યો. એણે નમતું જોખી દીધું. એક દિવસ બંને રેસ્ટોરન્ટમાં મળ્યાં, ત્યારે રોશને રોઝીને કહ્યું, ‘રોઝી, સોરી, પણ હું તને આજીવન સાથ નહીં આપી શકું. મારા પરિવારજનો તને ક્યારેય નહીં સ્વીકારે અને હું તેમને છોડી શકું એમ નથી.’ રોશનની વાત સાંભળીને રોઝીને થોડી વાર તો દુ:ખ થયું, પણ એણે તરત પોતાની જાતને સંભાળી લીધી. એણે સ્વસ્થ સ્વરે જવાબ આપ્યો, ‘કંઇ વાંધો નહીં, હું તારી જિંદગીમાંથી જતી રહીશ, પણ રોશન આજે છેલ્લી વાર છુટા પડતાં પહેલાં તારી એક સારી મિત્ર તરીકે તને એક વાત કહેવી છે.

તું જાણતો હતો કે તારા પરિવારમાં મને સ્વીકારવામાં નહીં આવે. તેમ છતાં તેં મને કહ્યું કે તું મારો સાથ આપીશ. આજે જ્યારે તારા પરિવારે તને ના કહી, ત્યારે તું મારો સાથ આપવા તૈયાર નથી. આવો તારો પ્રેમ? આને પ્રેમ ન કહેવાય રોશન, પ્રેમ તો ત્યાગ માગે છે.’ રોઝીને જે દુ:ખ પહોંચ્યું હતું તેની કોઇ સીમા નહોતી, પણ ઘણી વાર આવું બને છે કોઇની જિંદગીમાં. જ્યારે યુવક-યુવતીની જ્ઞાતિ કે ધર્મ અલગ અલગ હોય ત્યારે પ્રણયની શરૂઆતમાં તો તેમને લાગે છે કે પોતે પોતાના પ્રેમના આધારે દુનિયાનો સામનો કરી શકશે. જ્યારે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે એ પ્રેમ નહોતો માત્ર એક આકર્ષણ જ હતું જે સમયના ઝપાટાથી ક્યાંય ફંગોળાઇ ગયું.

આપણા સમાજની હજી એ કરુણતા કહો કે વિડંબણા, પણ આજે એકવીસમી સદીમાંય પ્રેમીઓ નાત-જાત અને ધર્મના વાડાબંધીને તોડી નથી શક્યાં. ભલે તેમને પોતાના પ્રેમ પર ગમે એટલો વિશ્વાસ હોય તો પણ જ્યાં સમાજ અને પરિવાર વચ્ચે આવે કે તરત પ્રેમ ક્યાંય ગાયબ થઇ જાય છે. આને પ્રેમ કેવી રીતે ગણી શકાય? અરે! પ્રેમ તો એવી પવિત્ર ભાવના છે કે જેની સામે ગમે તેવો વિરોધ કરનારા પાછા પડી જાય છે.

આવી પવિત્ર ભાવનાને રોશન જેવા યુવાનો રોઝી જેવી યુવતીઓને પોતાની સાથે બે ઘડી ફેરવવા માટે કે પછી પોતાની પણ કોઇ ગર્લફ્રેન્ડ છે એવો વટ મારવા માટે ઉપયોગમાં લેતાં હોય, પણ તેની ગરિમા જળવાતી નથી. રોઝી જેવી યુવતી જે ભલે પ્રેમ કરવામાં ન માનતી હોય છતાં એનો પ્રેમ સાચો ગણાય કારણ કે તે ખોટી દુહાઇ આપવામાં નથી માનતી. તે પોતે આમાં કેટલી આગળ વધી શકશે તે સારી રીતે જાણતી હોય છે અને એટલે જ એ કોઇના મનમાં ખોટા સપના જગાવતી નથી. આ પ્રેમભાવની સાચી ગરિમા છે.

કોઇના મનમાં સપનાં કે અપેક્ષા ઊભી કરીને પછી પોતે જ તેનો ભાંગીને ભૂકો બોલાવી દેવો એ પ્રેમસંબંધમાં ક્યારેય યોગ્ય ન ગણાય. અરે! ઘણા તો એટલી હદ સુધી પહોંચે છે કે યુવતી માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ માર્ગ જ બાકી ન રહે એવી સ્થિતિ ઊભી કરીને પછી પોતાના પરિવાર અને સમાજની વાતો કરે છે.

પ્રેમ આ રીતે કોઇની જિંદગી બરબાદ કરવામાં નથી માનતો. પ્રેમ તો જીવનને વધારે સુખમય બનાવવામાં સમજે છે. બે હૈયાને એક કરવામાં માને છે. આવા પવિત્ર પ્રેમ પ્રત્યે રોશન જેવા યુવાનો પરિવાર અને સમાજ જેવા ક્ષુલ્લક બહાના કાઢી પ્રિયતમાના હૈયાને ઠેસ પહોંચાડે છે ત્યારે કોઇ પણ વ્યક્તિને પ્રેમ શબ્દ પરથી વિશ્વાસ ઊઠી જાય તો નવાઇ ન કહેવાય. પ્રેમ કોઇ વ્યક્તિને જુદા કરવામાં નહીં, પણ એક કરવામાં માને છે. તેથી જ તો કહેવાય છે ને કે, ‘પ્રેમ ન જુએ જાત-કજાત.’ પણ આજના જમાનામાં હજી પ્રેમ જાત જુએ છે.

Posted in Uncategorized | 3 Comments